ગુરુવાર, 18 નવેમ્બર, 2021

7/12 ઉતારાની સંપૂર્ણ માહિતી || 7/12 Utara ni Mahiti ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી માહિતી

7/12 ઉતારાની સંપૂર્ણ માહિતી || 7/12 Utara ni Mahiti ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી માહિતી

7/12 અને ૮-અ ના ઉતારાની સંપૂર્ણ માહિતી


 નમસ્કાર ખેડૂત મિત્રો...🙏
આજે આપણે આ પોસ્ટમાં ગામના નમુના ૭ અને ૧૨ તથા ૮-અ વિશે વિસ્તૃત જાણકારી મેળવીશું.
ગામના નમુના ૭ અને ૧૨ તથા ૮-અ એ જમીનના અગત્યના ડોક્યુમેન્ટ છે. 
શું છે ૭/૧૨ ઉતારા નકલ અને ૮-અ એ ખેડૂત મિત્રોએ સમજવા જેવું  ખુબજ અગત્યનું


ગામના નમુનો ૭ અને ૧૨ :

૭/૧ર એટલે કે જમીન રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. ગામના નમુનો પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળ, સર્વે નંબરને લગતી તમામ નોંધો, બેંક, સહકારી મંડળી  કે ખેડૂતે લીધેલ કોઈપણ જાતની એગ્રીકલ્ચર લોન તેના બોજાની વિગતો, જમીન પણ કોઈપણ જાતનું સરકારી ખરાબાનું જમીનનું દબાણની વિગત પણ આમાં આપેલી હોય છે. આ માહિતીની સાથે સાથે ગામના નમુનો પત્રક -૧૨ મુજબ સદરહુ જમીનની ખેતી વિષયક માહિતીની પણ વારંવાર જરૂરીયાત રહેતી હોવાથી બંને પત્રકો ભેગા કરીને બનાવવામાં આવેલ પત્રક તેનેગામના નમુનો ૭ અને ૧ર કહેવાય  છે.  ઉપરના ભાગે નમૂનો ૭ તથા નીચેના ભાગમાં નમૂનો ૧૨ દેશોવેલ છે.  ૭/૧૨ નો નમુનો સૌ કોઇ મિત્રોએ જોયો જ હશે. તેમાં દર્શાવેલ દરેક માહિતીને A. B. C થી અંકીત કરેલ છે તેની વિગતવાર જાણકારી નીચે મુજબ છે.

ગામના નમુનો ૭ અને ૧૨માં બ્લોક/સર્વે નંબર લખેલ હોય છે દા.ત. ૧૨૮૦ પૈકી. ત્યારબાદ નવી શરત કે જૂની શરતની જમીન, ખેતરનું નામ તથા અન્ય વિગતો લખેલી હોય છે જેમ કે બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર, શરત ૩૩/અ અથવા અન્ય શરતો. આ વિગતોની સામી બાજુએ ગામ, તાલુકો, જીલ્લો અને પછી જમીનને લગતી વિગતો દર્શાવેલ હોય છે.

લાયક જમીનના ખાનામાં જરાયત, પિયત કે ક્યારી કે બાગાયત દર્શાવેલ હોય છે. તેની સામેની કુલ ક્ષેત્રફળ (હેક્ટર અને ચો.મી.)માં જણાવેલ હોય છે. આમ કોઈપણ ખેતર/સર્વે નંબરની તમામ જાણકારી ૭ અને ૧૨ નાં ઉતારા પરથી મેળવી શકાય છે. 


ગામના નમુનો નંબર-૮-અ (જમીનની ખાતાવહી)

આ નમૂનામાં જમીન જે ગામની હોય તે ગામનું નામ/મોજે, તાલુકો, જીલ્લો અને તેનો ખાતા નંબર તથા જમીનના કબજેદારોના નામ, બ્લોક સર્વે નંબરો, સર્વે નંબર મુજબ જમીનનું ક્ષેત્રફળ, આકાર તથા અન્ય વિગતો દર્શાવેલી હોય છે. ગામના નમુનો નંબર-૮-અ (જમીનની ખાતાવહી) માં જેતે ખેડૂતના ખાતામાં કુલ કેટલી જમીન છે? કુલ કેટલા સર્વે નંબર / ખેતર ખેડૂતના ખાતે છે? તેની જાણકારી આ પત્રકમાં આપેલી હોય છે. ટુકમાં ખેડૂતના નામે રહેલી બધીજ જમીનની વિગત આમાં આપેલ હોય છે.  ગામ નમૂનો ૮-અ ઉતારાની નીચે નમૂનો કઢાવેલ તારીખ અને ઉતારા ક્રમાંક લખેલ હોય છે.


બ્લોક/સરવે નંબર :-

બ્લોક/સરવે નંબર એટલે કે જમીનના ભાગ કે ટુકડાને ઓળખવા માટે ખેડુતની જે-તે જમીનને મા૫ણી વખતથી ઓળખ માટે આ૫વામાં આવેલ નંબર દર્શાવેલ હોય છે. તેને સંખ્યાવાચક ક્રમાંક નંબર આપવામાં આવે છે તેને સરવે નંબર તરીકે ઓળખીએ છીએ. આ નંબરમાં સમયાંતરે વેચાણ, કૌટુંબિક વહેંચણી જેવા વ્યવહારો થવાના લીઘે એક કરતા વઘુ ભાગલા ૫ડતા પોત હિસ્સા નંબર આ૫વામાં આવેલ છે. દા.ત. ૭૦/પૈકી ૧, ૭૦/પૈકી ૨ વિગેરે નામથી ઓળખવામાં આવે છે. 

હાલે... ૭/૧૨ માં જમીનનું કુલ ક્ષેત્રફળ હેકટરમાં એટલેકે હે. આરે. ચોમી.(હેક્ટર - આરે - ચોરસ મીટર) માં આપેલ હોય છે. ખેડૂત મિત્રોને આ માપનું એકર કે વિઘામાં કે અન્ય કોઈ માપમાં રૂપાંતર કરવા માટે અહીંયા તેને લગતા જમીન અને અંતર અંગે કેટલાક એકમોની વિગત દર્શાવેલ છે જે દરેક ખેડૂતમિત્રોને ઉપયોગી થશે. તેના પરથી જમીનની સરળતાથી ગણતરી કરી શકાશે.

  • ૧ ચોરસ ફૂટ = ૦.૦૯૨૯ ચોરસ મીટર
  • ૧ ચોરસ ફૂટ = ૧૪૪ ચોરસ ઈંચ
  • ૧ ચોરસ વાર =૯ ચોરસ ફૂટ
  • ૧ ચોરસ વાર = ૦.૮૩૬૧ ચોરસ મીટર
  • ૧ ગુંઠા = ૧૦૧૦ ચોરસ ફૂટ
  • ૧ ગુંઠા = ૧૨૧ ચોરસ વાર
  • ૧ ગુંઠા = ૧૦૧.૧૭ ચોરસ મીટર
  • ૧ વસા = ૧૨૮૦ ચોરસ ફૂટ
  • ૧ વસા = ૧૪૨.૨૨ ચોરસ વાર
  • ૧ વસા = ૧૧૯ ચોરસ મીટર
  • ૨૦ વસા = ૧ વીવું
  • ૨૪ ગુંઠા = ૧ વીવું ગાયકવાડી તાબાના ગામોમાં)
  • ૧ વીવું = ૨૫૫૯૧.૫૦ ચોરસ ફૂટ
  • ૧ વીવું = ૨૮૪૩.૫ ચોરસ વાર
  • ૧ વીવું = ૨૩૭૮ ચોરસ મીટર
  • ૧ ગુંઠો = ૧૦૧.૧૭૧૩ ચોરસ મીટર
  • ૪૦ ગુંઠા = ૧ એકર
  • ૧૦ ગુંઠા = ૧ હેકટર
  • ૧ એકર = ૪૦૪૬.૮૫ ચોરસ મીટર
  • ૧ એકર = ૦.૪૦૫ હેક્ટર
  • ૧ હેક્ટર = ૨.૪૭૧૧ એકર
  • ૧ હેકટર = ૧.૧૯૬૦ ચોરસ વાર
  • ૧ હેક્ટર = ૧૦૦૦૦  ચોરસ મીટર
  • ૧૦૦ હેક્ટર = ૧ ચોરસ કિલોમીટર
  • ૧ કિ.મી. = ૩૩૩૩ ફુટ
  • ૧ કિ.મી.= ૦.૬૨૧૪ માઈલ
  • ૧ કિ.મી. = ૧૦૦૦ મીટર
  • ૧ માઈલ = ૧.૬૦૯ કિલોમીટર
  • ૧ ચોરસ માઈલ = ૬૪૦ એકર
  • ૧ ચોરસ માઈલ = ૨૫૯ હેકટર


જમીનનો સત્તા પ્રકાર :-

અહીં આ૫ણને ખાતેદારે ઘારણ કરેલ જમીન કયા સત્તા પ્રકારથી ઘારણ કરેલ છે, તેની માહિતી જોવા માળે છે. જેમ કે જુની શરત (જુ.શ.), નવી શરત (ન.શ.), પ્ર.સ.૫., બિન ખેતી હેતુ માટે પ્રિમિયમને પાત્ર, બિનખેતી, સરકારી ટ્રાવર્સ, ખાલસા વિેગેરે જેવા પ્રકાર દર્શાવેલા જોવા મળે છે.


ખેતરનું નામ :-

ખેડુતો પોતાના ખેતરને ઓળખવા માટે અલગ-અલગ નામ આપેલ હોય છે અગર તો જે-તે સીમના નામ ૫રથી ખેતર ઓળખાતા હોય છે, જે અહીં લખેલ હોય છે. દા.ત.  બંધ, સોઢીવારું, મુસાપીર, મેંદાસર, ઘોળીવાવ, પાદરડું, રાતકડી, સોનારકી, બોલાનું,  છેલો, સામતાવારુ, ટકરી, ઠરીયાનું વિગેરે.


અન્ય વિગતો :-

અહીં કોઇ વિશેષ અન્ય માહિતી જો હોય તો લખેલ આવે છે. જેમ કે બે અથવા બે કરતા વઘુ સરવે નંબરોનું એકત્રિકરણ થયેલ હોય તો તે કયા-કયા સરવે નંબર એકત્ર થયેલ છે, તે નંબરો અહીં દર્શાવેલ હોય છે. દા.ત.૭૦, ૭૦/પૈકી ૧ તથા ૭૦/પૈકી ર.


ગામ, તાલુકો, જિલ્લો :-  

અહીં  7/12 કયાં ગામ , તાલુકા અને જિલ્લાનો છે તેની વિગત દર્શાવવામાં આવેલ હોય છે.


લાયક જમીન :-

અહીં લાયક જમીન વિભાગમાં જમીનના જુદાં-જુદાં પ્રકાર  જેવા કે જરાયત, બાગાય અને કયારી વિગેરેમાંથી ખેડુતની જમીન કયા પ્રકારની છે તેની વિગત અને સામે તેનું ક્ષેત્રફળ હેકટર-આરે-ચો.મી. માં લખેલ હોય છે.


પોત ખરાબો(પો.ખ.) ''અ'' અને ''બ'' :-

કોઇ સરવે નંબરમાં જે જમીન ખેડવા લાયક ન હોય તે જમીનને પોત ખરાબો કહે છે. જે ૨ (બે) પ્રકારના હોય છે. (૧) ખેડૂતના ખેતરમાં બાંઘેલ મકાન કે ખળી(ખળું) જે સરવે કરતી વખતે ખેતી કરવા માટે અયોગ્ય ઠરાવેલ હોય તેવી જમીનનો સમાવેશ પો.ખ. ''અ'' માં થાય છે. (ર) જાહેર હેતુ માટે મુકરર કરેલ, રસ્તો, ૫ગવાટ અથવા તેમાં ઘારણ કરનાર સિવાય બીજી વ્યક્તિએ જે તળાવ કે ઝરાનું પાણી પાવા અથવા લોકોને પીવા માટે વ૫રાતું હોય તેવી ખેડી ન શકાય તેવી જમીનનો સમાવેશ પો.ખ. ''બ'' માં થાય છે.


આકાર (રૂ.) :-

આકાર એટલે ખેતીની જમીન ૫ર લાગતું મહેસુલ. જે ગ્રામ્ય વિસ્તારમાં વિઘોટી કહેવામાં આવે છે. આમ, ખેડુતની જે-તે જમીન ૫ર મહેસુલ/વેરો કેટલો લાગે છે તે અહીં દશાર્વવામાં આવેલ હોય છે. આ જમીન મહસુલની રકમ ઉ૫ર લોકલ ફંડ અને શિક્ષણ ઉ૫કર જેવા વેરા લાગે છે.


જુડી તથા વિષેશઘારો (રૂ.) :-

ખેતીની જમીન ૫ર લાગતું મહેસુલ (આકાર) સિવાય તે જમીન ૫ર જો કોઇ ખાસ પ્રકારનો કર કે વેરો લેવામાં આવતો હોય તેની વિગત જુડી તથા વિશેષઘારો ના વિભાગમાં દર્શાવવામાં આવે છે


પાણીભાગ (રૂ.) :-

જે પાણી ઉ૫ર સરકારને હકક પ્રાપ્ત થતો હોય તે પાણીનો ઉ૫યોગ જમીન ઘારણ કરનાર કરતા હોય તો તે પાણીના ઉ૫યોગ માટે જે રકમ નકકી કરે તે ''પાણીભાગ'' કે ''પિયાવો'' તરીકે ઓળખાય છે અને તે રકમ અહીં લખાયેલ હોય છે.


ગણોતિયાની વિગતો :-

૫ટેથી જમીન ઘારણ કરતી હોય તે વ્યક્તિને ગણોતિયા કહેવાય છે અને આ ગણોતિયા અન્ય બીજા વ્યક્તિને ખેડવા આપે તો તેને પેટા ગણોતિયા કહેવાય છે. ગુજરાતનાં જે વિસ્તારોમાં ગણોતઘારો લાગુ ૫ડે છે તે વિસ્તારનાં ૭/૧૨ ના આ વિભાગમાં જે-તે ગણોતિયાના નામ લખાયેલ હોય છે.


 ખાતા નંબર :-

અહીં ખેડૂતની જમીનનો ખાતા નંબર જણાવેલ હોય છે. જેના આઘારે ગામ નમુના નં.૮-અ કઢાવી શકાય છે અને ૮-અ એ ખેડૂતની જમીનની અનુક્રમણિકા ગણાય છે. તેથી અહીં ખાતા નંબર લખાયેલ હોય છે જેના આઘારે જે-તે જમીન કયા ખાતાની છે તે જાણી શકાય છે.


નોઘ નંબરો અને કબ્જેદારોના નામ :-

આ વિભાગમાં મહેસુલી રેકર્ડ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી નકલ કાઢી તે દિવસ સુઘીમાં તે જમીન ૫ર હક્ક૫ત્રકે જેટલા ૫ણ ફેરફાર થયેલ હોય તે ફેરફાર નોંઘનાં નંબરો દર્શાવેલ હોય છે અને તે નોંઘોના આઘારે જ તે જમીનની ટાઇટલ કલીયરની વિગતો જાણી શકાય છે. જેથી ૭/૧૨ નો આ વિભાગ ખૂબ જ અગત્યનો બની રહે છે. અને આ નીચે હાલની સ્થિતિના કબ્જેદાર / માલિકના નામો લખાયેલ હોય છે.


બીજા હકો અને બોજાની વિગતો :

ખેડુતે જો જમીન ૫ર બોજો લીઘેલ હશે તો તેના નોંઘ નંબર અને કયાંથી બોજો લીઘો તેની વિગતો અહીંથી જાણવા મળે છે. આ ઉ૫રાંત આ વિભાગમાં કુવા-બોરની વિગત, મહેસુલી કે કોર્ટ કેસના મનાઇ હુકમ, પાણી-ગેસ કે ઓઇલ પાઇ૫લાઇન માટે વ૫રાશી હકક માટે સંપાદન થયેલ હોય તો તેની વિગત ૫ણ આ૫ણને અહીં જોવા મળે છે.


 # - નામંજુર :

હક૫ત્રકની કોઇ નોંઘના રજુ થયેલા કાગળોમાં કોઇ મહત્વના અને જરૂરી કાગળો રજુ રાખેલ ન હોય અથવા તો કોઇ હિત સબંઘ ઘરાવતી વ્યક્તિનું નામ કમી થતું હોય તેને જમીન મહેસુલ અઘિનિયમની કલમ-૧૩૫(ડી) ની નોટીસની બજવણી થયેલ ન હોય તેવા સંજોગોમાં કોઇના હિતને નુકશાન ન થાય તે હેતુથી મંજુર કરનાર અઘિકારી આવી નોંઘ નામંજુર કરે છે. તે નોંઘ નંબરની બાજુમાં '' # '' નિશાની આવે છે. આમ, નામંજુર થયેલ નોંઘ ઇ-ઘરા કેન્દ્ર ખાતે ફરીથી પાડી શકાતી નથી અને તેના માટે સક્ષમ અઘિકારીની કચેરીમાં જમીન મહેસુલ અઘિનિયમની કલમ-૧૦૮(૫) હેઠળ અપીલ કેસ દાખલ કરવો ૫ડે છે.


 & - તકરારી :

જયારે હક૫ત્રકની કોઇ નોંઘ સામે કોઇ સહ-હિસ્સેદાર કે અન્ય ત્રાહિત વ્યક્તિ દ્વારા વાંઘો રજુ કરવામાં આવે છે ત્યારે તે નોંઘને તકરારી રજીસ્ટરે લઇ તકરારી કેસ ચલાવવામાં આવે છે. અને હુકમ કરવામાં આવે છે. આમ, આવી નોંઘના નંબરની બાજુમાં '' &'' ની નિશાની લગાવવામાં આવે છે.


તમારી જમીનની માપણી કરો. જાતેજ આપના એન્ડ્રોઇડ મોબાઈલ થી જ 
જેમાં તમે તમારા ખેતર, પ્લોટ, બે સ્થાન વચ્ચેનું અંતર વગેરે ઘણુબધું માપી શકશો. 



ગામના નમુનો ૭ / ૧૨ અને ૮-અ ની વિસ્તૃત જાણકારી મેળવવા માટે આ વિડીઓ નિહાળો... જેમાં ખેડૂતના કયા સર્વે નંબર તથા ખાતે કુલ કેટલી જામી થાય છે તે એકર અને વિધા તથા અન્ય માપમાં પણ જાની શકશો.

 ગામના નમુનો ૭ / ૧૨ અને ૮-અ ની વિસ્તૃત જાણકારી માટે :  અહિયાં ક્લિક કરી આ વિડીઓ જુઓ.



ખેડૂત મિત્રો માટે ખાસ અગત્યનું :

ગુજરાતમાં  અત્યારે દરેક વિભાગ ડીઝીટલ થઇ ગયા છે ત્યારે ગુજરાત રેવન્યુ વિભાગ પણ પાછળ નથી. હવે.... ખેડૂત મિત્રોને પોતાની જમીનના ગામ નમૂના નં. ૭ અને ૧૨, ૮-અ, ૬-હક્ક પત્રક, નોંધો ના ઉતારાની જાણકારી હવે પોતાના મોબાઈલ, કોમ્પ્યુટર,કે લેપટોપ પરજ મેળવી શકશે. 

ગામના નમુના હવેથી ઓનલાઇન નં. ૭ અને ૧૨, ૮-અ, ૬-હક્ક પત્રક, નોંધો ના ઉતારા( હેવેથી મેન્યુઅલ નહી ઓનલાઈન)

સરકારશ્રી દ્વારા ગામ નમૂના નં.૭ (VF7) એટલે જમીનનો આધાર હવે એક ક્લિકે જોઇ શકાશે. 


Web Link: 


જમીન રેકર્ડ પહેલા અને આજે જોઇએ તેનો થોડો ઇતિહાસ:

ખેડૂત ખાતેદારને પહેલાં પોતાના જમીનના આધારો – ગામ નમૂના નં. ૭ અને ૧૨, ૮-અ, ૬-હક્ક પત્રક, નોંધો ના ઉતારા લેવા માટે જેતે મામલતદાર કચેરી ખાતે જવું પડતું. ત્યારબાદ તેનો ઉકેલ લાવવા સરકાર દ્વારા એક બહુ જ ઉપયોગી સેવા કે જેનાથી જમીનનું મહેસૂલી રેકર્ડ જેતે ગામે જ ખેડુતને મળી રહે, તેને માટે ઇ-ગ્રામ અંતર્ગત જાન્યૂઆરી ૨૦૦૬માં RoR@Village પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. RoR@Village અંતર્ગત જેતે ગામે જ ખાતેદાર પોતાની જમીનનારેકર્ડની ઓથોરાઇઝ્ડ નકલ પ્રાપ્ત કરી શકે. અહીં ગામ નમૂના નં.૬, ૭, ૮-અ, તથા ૧૨ ચારેય નમૂનાઓની નકલો મળી શકે છે. શરૂઆતમાં આ પ્રોજેક્ટ ૧૬૬ તાલુકાઓના ૨૨૭૯ ગામોમાં શરૂ કરાયો, ત્યારબાદ આજે લગભગ ગુજરાતના તમામા ગામોમાં કે જ્યાં ગ્રામપંચાયત છે, ત્યાંના ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે સક્રીય છે. બીજી એક સફળતાની વાત કે RoR@Villageને ઉત્તમ સેવા પહોંચાડવાની શ્રેણીમાં Microsoft Award પણ મળેલ છે. આ પ્રોજેક્ટ દ્વારા ખાતેદારને પોતાના તાલુકામાં જવું પડતું નહીં, અને માત્ર ગામમાં આવેલ પોતાના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે જઇ, ગામ નમૂના નં. ૭ અને ૧૨, ૮-અ, ૬-હક્ક પત્રક, નોંધોની નકલ મેળવી શકાતો. આમ, છતાં પણ એને વધુ ડીઝીટલ કરવામાં આવી.

      RoR@Villageમાં ફેરફાર કરવામાં આવ્યો. હવેથી ઇ-ગ્રામ ખાતે કોઇ પણ જિલ્લાના કોઇ પણ તાલુકાના કોઇ પણ ગામનો ગામ નમૂના નં. ૭ અને ૧૨, ૮-અ, ૬-હક્ક પત્રક, નોંધો  કાઢી શકે છે. ત્યારબાદ મામલતદાર કચેરી ખાતેથી અપાતા ગામ નમૂનાઓના સોફ્ટવેરમાં ફેરફાર કરવામાં આવ્યો. અને છેલ્લે RoR@Village ને પબ્લીક વેબસાઇટ તરીકે સ્થાન આપવામાં આવ્યુ. અને  RoR@Village હવે RoR @ Internet થઇ ગયું છે. ફક્ત બ્રાઉઝરમાં આ લીંક  http://anyror.gujarat.gov.in ઓપન કરી જરૂરી વિગતો નાખી, જેમકે...  સૌ પ્રથમ ગામનો રેકોર્ડ કે શહેરનો રેકોર્ડ કે પ્રોપર્ટી કાર્ડ, તમને જે લાગુ પડે છે તે વિકલ્પ પસંદ કરો. આમને માનો ગામનો રેકોર્ડ પસંદ કર્યો છે. બીજું પેજ ઓપન થશે. પછીના પેજ પર તમારો Select Any One (કોઇ એક પસંદ કરો)  > જિલ્લો > તાલુકો > ગામ > સર્વે નંબર સીલેક્ટ > કેપ્ચા કોડ દાખલ કરો અને Get Record detail(રેકોર્ડની વિગતો) પર ક્લિક કરતાજ આપ આપની જાણકારી જોઈ શકશો.  કેપ્ચા કોડ એનેબલ કરવામાં આવ્યો છે. જેથી સેક્યુરીટીમાં પણ  વધારો થયો.

7/12 ઉતારા


7/12 ઉતારા


ખાસ નોંધ : ખેડૂત મિત્રો... ટેક્નોલોજીનો જમાનો છે હજૂ ઘણા બધા ફેરફારો થતાં રહેશે. બધુ ઓનલાઇન થઇ રહ્યું છે.


#anyror_gujarat
#anyror_rural
#Land_Record
#7ane12
#8-A
#anyror_apk
#anyror_com
#e-dhara_gujarat.gov.in


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો